ફળિયાનો લીમડો
ફળિયાનો લીમડો મારો દાદા જેવો લાગે રે,
કડવું બોલે, મીઠું રાખે, આખી રાત જાગે રે.
ઉનાળે છાંયડો પાથરે, ખાટલો નીચે ઢળે,
દાદાજી ત્યાં હુક્કો પીએ, ગામની વાતો ભળે;
ચૈતર મહિને કૂંપળ ચાવો, રોગ બધા ભાગે રે…
ફળિયાનો…
ડાળે ઝૂલો બાંધી ઝૂલ્યાં ભાઈ ને બહેન સાથે,
લીંબોળી વીણીને રમ્યાં, ભરી ભરી બે હાથે;
આજે પણ એ પાન ખરે, તો મીઠું મીઠું વાગે રે…
ફળિયાનો…
પરાગ કહે: દાદા ગયા, પણ લીમડો ઊભો છે,
એની છાયામાં બેસું, તો દાદાનો ખભો છે;
પવન વાય ને પાન હલે, તો દાદાનો સાદ વાગે રે…
ફળિયાનો…
– પરાગ રતનપરા