વાવણી
મેહુલો વરસ્યો ને ખેડુએ હળ જોડ્યાં રે,
ભીની ભીની માટીએ સપનાં સૌ ખોલ્યાં રે.
બળદની ઘૂઘરી ઘમકે, ને ચાસમાં બીજ પડે,
ખેડુની ઘરવાળી ભાતું લઈ સીમમાં ચડે;
મોરલે ટહુકો કીધો, ને દેડકે ઢોલ ઢોળ્યાં રે…
મેહુલો વરસ્યો…
દીકરીની ફી, દીકરાનાં ચોપડાં, ને ઘરનું દેવું,
ચાસે ચાસે વાવ્યું, ખેડુ, તેં તો આખું જીવવું;
આભ સામે હાથ જોડી, ધરતીમાને પોંખ્યાં રે…
મેહુલો વરસ્યો…
પરાગ કહે: જે બીજ વાવે, એ જ ઈશ્વરનો અંશ,
એના પરસેવાથી ઊગે આખા જગનો વંશ;
થાળીમાં જે રોટલા આવે, એ ખેડુએ મોકલ્યાં રે…
મેહુલો વરસ્યો…
– પરાગ રતનપરા