ફકીર થઈ જઈએ
ચલો, કશું ય ન રાખી, ફકીર થઈ જઈએ,
હવા સમાન વહીને, સમીર થઈ જઈએ.
ભલે ન હાથ મહીં કોઈ ભાગ્યની રેખા,
લખે ન કોઈ કદી, એ લકીર થઈ જઈએ.
ઘડીક તાર વણી લઈ, ઘડીક ગાઈ ભજન,
વણાય ચાદર એવી, કબીર થઈ જઈએ.
ન તીર, ના તલવારો, ન શત્રુ કોઈ અહીં,
ઘણા ય ઘાવ સહી, ને ખમીર થઈ જઈએ.
ભલે ન ઘર, ન તિજોરી, ન ખેતરો, ન મકાન,
પરાગ, મ્હેક લુટાવી, અમીર થઈ જઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ફકીરી #કબીર #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Detachment #Kabir #InnerRiches #ParagRatanpara