ફાવી ગયું
આંખને અંધારની આ રાતમાં ફાવી ગયું,
હોઠને પણ ચૂપકીની વાતમાં ફાવી ગયું.
કોઈ ના આવ્યું, ભલે ખુલ્લાં હતાં સૌ બારણાં,
એટલે એકાંતને આ જાતમાં ફાવી ગયું.
ઘા પહેલો જ્યાં થયો, ત્યાં ચીસ પાડી’તી ઘણી,
પણ પછી તો કાળજાને ઘાતમાં ફાવી ગયું.
એ જ ઑફિસ, એ જ ખુરશી, એ જ કાગળ ને કલમ,
જિંદગીને એકસરખી ભાતમાં ફાવી ગયું.
હો વિરહ કે હો મિલન, હસતો હતો આ તો પરાગ,
આંસુને પણ કોઈની સોગાતમાં ફાવી ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #ટેવ #એકાંત #જીવન #સ્વીકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Habit #Loneliness #Acceptance #Life #ParagRatanpara