← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા વગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવડો ઝાંખો, અને ઘર સાવ ઝાંખું, મા વગર,
રાત જેવું લાગતું આ ગામ આખું, મા વગર.

હોય છપ્પન ભોગ થાળીમાં, ભલે ને સામટા,
ખીચડીનો સ્વાદ ક્યાંથી હું ય ચાખું, મા વગર?

આજ પણ એની જ સાડી, એક ઝીણી ચૂંદડી,
ઓશિકા નીચે છુપાવી હૂંફ રાખું, મા વગર.

‘ઠીક છું’ સૌને કહું, પણ રાતના એકાંતમાં
એક બે ઊંડા નિસાસા રોજ નાખું, મા વગર.

શબ્દ લાખો છે પરાગે પાસ, પણ ‘મા’ જેવડો
એક અક્ષર ક્યાં જડે? શું ગીત ભાખું, મા વગર?

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માતૃપ્રેમ #વિરહ #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MissingMom #Grief #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનદી જેમઆગલો લેખ →ફાવી ગયું