ફાઇલનું ગીત
મારી ફાઇલ ફરતી જાય રે, ટેબલ ટેબલ ફરતી જાય,
સાહેબ કહે છે ‘કાલે આવો’, ને કાલ કદીયે ના થાય.
પહેલે ટેબલ બાબુ બોલ્યા, ‘સહી ખૂટે છે ત્રીજે પાને,’
બીજે ટેબલ ચા ઠરી ગઈ, ત્રીજે કોઈ જોતું ના ધ્યાને;
ચોથે ટેબલ ચશ્માં ઊંચાં કરીને ભાવ પૂછાય…
મારી ફાઇલ…
દાદાએ જે અરજી કીધી, બાપુએ એ આગળ ધપાવી,
હું ય હવે તો ધોળા વાળે એ જ ઑફિસે આવી આવી;
ફાઇલ ઉપર ધૂળ ચડી, ને ધૂળ ઉપર મારું નામ લખાય…
મારી ફાઇલ…
પરાગ કહે: આ વિક્રમ-વેતાળની વાર્તા જૂની નથી,
ફાઇલ ખભે લટકે છે, ને ઉકેલ ક્યાંયે જડતો નથી;
‘જવાબ દે તો માથું ફાટે’ — એટલે સાહેબ ચૂપ થઈ જાય…
મારી ફાઇલ…
– પરાગ રતનપરા