નિરાંતે
ન ઘર કે ન દર, આ સવારી નિરાંતે,
ધરા પર બિછાવી પથારી નિરાંતે.
ન ખાતું, ન બાકી, ન ચિંતા કશાની,
ખુદા સાથ ચાલે ઉધારી નિરાંતે.
જમાનો નચાવે ભલે રોજ, તોયે
અમે ખેલ પાડ્યો, મદારી નિરાંતે.
જડે રોટલો તો વહેંચું બધામાં,
ખુદાનો સદાનો ભિખારી નિરાંતે.
ન ડૂબ્યો, ન તર્યો, ન સામે ગયો હું,
પરાગે ગ્રહી છે કિનારી નિરાંતે.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #મસ્તી #સંતોષ #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Faqiri #Contentment #CarefreeSpirit #Sufism #ParagRatanpara