ફાગણનો ફકીરી રંગ
ફાગણ આવ્યો ને મીરાં બોલી: ‘રંગ ન લાગે બીજો,
ગિરધર, મારે તારો એક જ રંગ ચડ્યો છે ત્રીજો.’
પહેલો રંગ તો માએ ચોપડ્યો, હળદર-કંકુ ભરિયો,
બીજો રંગ રાણાજીએ દીધો, ઝેરથી જાણે તરિયો;
ત્રીજો રંગ તે શ્યામ તમારો, ઊતરે ના કદી ધોયો —
ફાગણ આવ્યો ને…
મહેલે રાણા ગુલાલ ઉડાડે, ઢોલ ત્રાંસાં વાગે,
મીરાં એકતારે તાર છેડે, ભીતર ફાગણ જાગે;
કેસૂડો તો ચાર દિવસનો, આ રંગ જનમ જનમનો —
ફાગણ આવ્યો ને…
પરાગ કહે: જે રંગ ઊતરે, એને રંગ ના કહીએ,
હરિ-રંગમાં ઝબોળાઈને, ચાલો, ફકીર થઈએ;
હોળી બળે ને રાખ થઈ જાય, તોય આ રંગ ના ખોયો —
ફાગણ આવ્યો ને…
– પરાગ રતનપરા