ફાગણ ફાગ
ફાગણ ફોર્યો ફૂલડે રે, કેસૂડે કંકુ ઢોળ્યું,
આંબે મ્હોર્યો મોરિયો, મારું મનડું રંગે ઝબોળ્યું.
સૈયર ચાલો વનમાં રમવા, ઝાંઝર ઝણકે પાય,
કોયલ કૂજે, ભમરો ગુંજે, મધુરો વાયરો વાય;
કાનુડે મારગ રોક્યો ને હૈયું મારું ડોલ્યું…
ફાગણ ફોર્યો…
પિચકારીમાં પ્રેમ ભર્યો ને ગુલાલ ઊડે ગાલે,
રંગભીની ચૂંદડી મારી નાચે ઢોલને તાલે;
સાસુ બોલે, નણદી બોલે, મેં તો કાંઈ ન બોલ્યું…
ફાગણ ફોર્યો…
પરાગ કહે: આ ફાગ ગવાય, ને વસંત ઘર ઘર આવે,
વિરહીનાં હૈયાંને પણ આ રંગ રંગ નચાવે;
જેણે ભીંજવા ન દીધું, એણે ફાગણ ખોયું…
ફાગણ ફોર્યો…
– પરાગ રતનપરા