એટલું દેજે
નથી માગતો સોનું-ચાંદી, નથી માગતો રાજ,
એટલું દેજે, મારે લીધે કોઈ ન રડે આજ.
ભૂખ્યો કોઈ આંગણે આવે, ખાલી ન પાછો જાય,
મારા ભાણાનો અડધો રોટલો એના હાથે થાય;
દેવું હોય તો દેજે, પ્રભુ, હૈયે એવો સાજ…
નથી માગતો…
જીભે મારી કડવું ન આવે, આંખે ન આવે વેર,
દુશ્મનનું પણ ભલું વિચારું, એવી કરજે મહેર;
માણસ થઈને માણસ રહું, એ જ મોટો તાજ…
નથી માગતો…
પરાગ કહે: આ પ્રાર્થના નહીં, હૈયાની છે વાત,
ઉત્તર તારો મળી જાય, જો સુધરે મારી જાત;
જવાબ તારો હું જ બની જાઉં, રાખજે એવી લાજ…
નથી માગતો…
– પરાગ રતનપરા