એટલું બળ દેજે
ના માગું કે દુઃખ ન આવે, પ્રભુ, એટલું દેજે બળ,
દુઃખ આવે તો હસતે મોંએ ઝીલી લઉં હું પળપળ.
ના માગું કે તું તારે, મને તરતાં શીખવજે,
ડૂબું તો પણ હાથ ન છોડું, એવું ધૈર્ય ભરજે;
ભલે ઝંઝાવાત, મારી નાવ રહે અવિચળ.
ના માગું કે દુઃખ ન આવે…
ના માગું કે સૌ મને ચાહે, ના માગું સન્માન,
એટલું દેજે: હું ય ચાહું, ભલે મળે અપમાન;
મારા મનનું પાણી રહે નિર્મળ, ડહોળાય ભલે સઘળું જળ.
ના માગું કે દુઃખ ન આવે…
પરાગ કહે: પ્રભુ, દીવો નહીં, દેજે આંખનું તેજ,
અંધારે પણ શોધી લઉં હું મારગ મારો સહેજ;
હારું તો પણ તારો રહું — એ જ મારું ફળ.
ના માગું કે દુઃખ ન આવે, પ્રભુ, એટલું દેજે બળ…
– પરાગ રતનપરા