← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકતારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકતારો વાગે રે, મારા ઘટમાં એકતારો વાગે,
ના કોઈ સૂર શીખ્યો, તોયે અનહદ નાદ જાગે.

ના તબલાં, ના પેટી, ના કોઈ રાગ-રાગિણી,
એક જ તારે ગાજે આખી સૃષ્ટિ ભલી-ભીની;
શ્વાસે શ્વાસે ‘સોહમ્’ બોલે, જોગી જાગે ત્યાગે…
એકતારો વાગે રે…

મંદિર ગયો તો ઘંટ સાંભળ્યા, મસ્જિદ ગયો તો બાંગ,
ભીતર જઈને સાંભળ્યો, ત્યાં તો એક જ અનહદ રાગ;
બહાર શોધ્યો જેને જનમભર, એ તો બેઠો આગે…
એકતારો વાગે રે…

પરાગ કહે: આ તાર તૂટે ના, એવી કરજે મહેર,
સૂરમાં સૂર મળે ત્યાં ઓગળે અહમ્‌નું ઝેર;
અંતે એકતારો ને એક જ તાર, હરિ સંગ લાગે…
એકતારો વાગે રે, મારા ઘટમાં એકતારો વાગે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાળપણ ઉછીનુંઆગલો લેખ →હું કોણ છું