બાળપણ ઉછીનું
કોઈ આપો રે ઉછીનું મારું બાળપણ થોડું,
હજી રમવું છે, હજી નથી એટલું મોડું.
કાગળની હોડી ને ખાબોચિયાનો દરિયો,
લખોટીની થેલી, ને ભમરડો ફરફરિયો;
દાદીની વારતાનું રાજ હતું રૂડું…
કોઈ આપો રે ઉછીનું…
નિશાળેથી છૂટીને દફતર ફેંકી દોડું,
આંબલીના કાતરા ને બોરનું ઝાડ ઝૂડું;
ત્યારે ન’તું કોઈ ટેન્શન, ન’તું કોઈ ખોટું…
કોઈ આપો રે ઉછીનું…
પરાગ કહે: હવે મોટા થઈને શું મળ્યું, ભાઈ?
બૅન્ક, બંગલો, બી.પી., ને આંખે ચશ્માંની છાઈ;
વ્યાજ સાથે પાછું વાળીશ, બસ એક દી આપો ભોળું…
કોઈ આપો રે ઉછીનું મારું બાળપણ થોડું.
– પરાગ રતનપરા