← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકલતાની અરજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રતિ,
માનનીય ઈશ્વર,
સ્વર્ગ કાર્યાલય.

વિષય: એકલતા અંગે.

સાહેબ,
નમ્ર વિનંતી કે
મારા ઘરમાં
ચાર ઓરડા છે,
ને ચારેયમાં હું એકલો.

દીકરો અમેરિકા,
દીકરી બૅંગલોર,
ને એ…
ગયે વર્ષે
આપના ત્યાં જ આવી છે.

તો સાહેબ,
કાં તો એને
થોડા દિવસની રજા આપો,
કાં તો મારી અરજી
મંજૂર કરો.

સહી:
એક ખાલી ખુરશી
પાસે બેઠેલો
માણસ.

(નોંધ: જવાબ ન મળે તો
આ અરજીને જ
રિમાઇન્ડર ગણવી.)

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકિનારે ગયો છુંઆગલો લેખ →ઊગ્યો રે ભાણ