એકલતાની અરજી
પ્રતિ,
માનનીય ઈશ્વર,
સ્વર્ગ કાર્યાલય.
વિષય: એકલતા અંગે.
સાહેબ,
નમ્ર વિનંતી કે
મારા ઘરમાં
ચાર ઓરડા છે,
ને ચારેયમાં હું એકલો.
દીકરો અમેરિકા,
દીકરી બૅંગલોર,
ને એ…
ગયે વર્ષે
આપના ત્યાં જ આવી છે.
તો સાહેબ,
કાં તો એને
થોડા દિવસની રજા આપો,
કાં તો મારી અરજી
મંજૂર કરો.
સહી:
એક ખાલી ખુરશી
પાસે બેઠેલો
માણસ.
(નોંધ: જવાબ ન મળે તો
આ અરજીને જ
રિમાઇન્ડર ગણવી.)
– પરાગ રતનપરા