એક પળ
ઓરડો, ઘડિયાળ, ચશ્માં, સૌ હતું, પળ ક્યાં હતી?
કેટલી ઇચ્છા હતી, એની જ અટકળ ક્યાં હતી?
કાલ કરશું, કાલ મળશું, કાલ જોશું વાત સૌ,
કાલને બાંધી શકે એવી ય સાંકળ ક્યાં હતી?
શાલ ખીંટીએ હજી ને બારણે ચંપલ હજી,
ચીજને જાવા વિશેની તો જરા કળ ક્યાં હતી?
ઘર ભરીને દીવડા એણે જ પ્રગટાવ્યા હતા,
આંખમાં એની હતી જે, તે જ ઝળહળ ક્યાં હતી?
બાગ સૂનો થઈ ગયો ને સાવ કોરો છે ‘પરાગ’,
ફૂલ પર રડવા સવારે એક ઝાકળ ક્યાં હતી?
– પરાગ રતનપરા
#ગઝલ #અંતિમપળ #મૃત્યુ #સમય #ક્ષણભંગુર #પરાગરતનપરા
#GujaratiGhazal #FinalMoment #Mortality #Impermanence #Time #ParagRatanpara