એક લોટો જળ
ભોળા, તારી જટામાં ગંગા ને મારી આંખમાં ધાર,
એક લોટો જળ લઈ આવ્યો છું, કરજે તું સ્વીકાર.
ના મેં સોનાના કળશ ધર્યા, ના કૈં ચંદન-કેસર,
ખેતર-શેઢેથી બીલીપત્ર લાવ્યો છું, હે શંકર;
ભેળું મારા પરસેવાનું ટીપું, એ જ શણગાર.
ભોળા, તારી જટામાં…
તેં તો હળાહળ પીધું ને આખું જગત ઉગાર્યું,
મેં તો મારા નાના ઝેરે ઘરનું ચેન વિસાર્યું;
શીખવ મને પણ નીલકંઠ થઈ જીરવી જાવું ભાર.
ભોળા, તારી જટામાં…
પરાગ કહે: તું ભસ્મ લગાડી સ્મશાને રમતો,
‘સૌનું અંતે આ જ’ — એવું મૂંગું મૂંગું કહેતો;
ડમરુ વાગે ત્યાં ઓગળતો મારો સૌ અહંકાર.
ભોળા, તારી જટામાં…
– પરાગ રતનપરા