એક જ બોલ
મને એક જ બોલ વાગ્યો રે, સાધો, એક જ બોલ વાગ્યો,
જનમ જનમનો સૂતો આતમ ઝબકી ઝબકીને જાગ્યો.
નહીં તલવાર, નહીં કોઈ ભાલો, નહીં તીરનો ભાર,
વાણી એવી વીંધી ગઈ કે છૂટ્યા સૌ વિકાર;
માયાનો મેં કોટ ચણ્યો'તો, પાયેથી એ ભાગ્યો…
મને એક જ બોલ વાગ્યો રે…
ઘા એવો કે લોહી ન નીકળે, નીકળે આંસુધાર,
ઘાની ઉપર મલમ લગાડે, એ જ સદ્ગુરુ સાર;
જે પીડામાં મીઠપ મળે, એ મેં ભવભવ માગ્યો…
મને એક જ બોલ વાગ્યો રે…
પરાગ કહે: આ બોલ નથી કંઈ, ફૂલ ખીલ્યાની વાત,
મ્હેક ઊડી ને ભમરો જાગ્યો, ઊગી ગયું પરભાત;
હવે શબદમાં સૂવું-જાગવું, શબદે જીવતર તાગ્યો…
મને એક જ બોલ વાગ્યો રે…
– પરાગ રતનપરા