ઈશ્વર ક્યાં છે?
ગામમાં ચર્ચા ચાલી:
‘ઈશ્વર મંદિરમાં છે કે નહીં?’
પૂજારી કહે: ‘છે જ! નહીં તો
આ દાનપેટી કોણ ભરે?’
સુધારક કહે: ‘નથી!
મંદિર તો ધંધો છે.’
પંડિતે ગ્રંથો ખોલ્યા,
નેતાએ સભા બોલાવી,
છાપાંએ તંત્રીલેખ લખ્યા,
ટીવી પર ચર્ચા થઈ.
ત્યારે
મંદિરના પગથિયે બેઠેલી
આંધળી ભિખારણ
પોતાની રોટલીનો અડધો ટુકડો
એક ભૂખ્યા કૂતરાને
ખવડાવતી હતી.
કોઈએ
એની સામે જોયું નહીં.
ઈશ્વર
ત્યાં જ
હસતો હતો.
– પરાગ રતનપરા