ઈર્ષ્યા
પડોશીએ
નવી ગાડી લીધી.
એ રાતે
મારી જૂની ગાડી
પહેલી વાર
મને ભંગાર લાગી.
મારું ઘર
અચાનક નાનું થઈ ગયું,
મારી પત્નીનું સ્મિત
થોડું ઝાંખું,
ને મારા દીકરાનું
પરીક્ષાનું પરિણામ
થોડું ઓછું.
આખી રાત
મેં
પડોશીની ગાડીના
હપ્તા ગણ્યા,
એના પર લાગેલા
ગોબા શોધ્યા,
ને સવારે
ઊઠીને જોયું —
મારા આંગણામાં
ગઈ કાલે જ ખીલેલું
એક ગુલાબ
મારી ઈર્ષ્યાના
ધુમાડામાં
કરમાઈ ગયું હતું.
– પરાગ રતનપરા