દ્વારકાની રાત
દ્વારકાના સોનેરી મહેલમાં
મધરાતે
કૃષ્ણ એકલા બેઠા છે.
રાણીઓ સૂઈ ગઈ છે,
દરબાર સૂઈ ગયો છે,
સુદર્શન પણ
ખીંટીએ ટીંગાઈને
ઊંઘે છે.
એ ધીરેથી
એક જૂની પેટી ખોલે છે —
અંદર
એક વાંસળી,
જેમાં હવે કોઈ સૂર નથી;
ને એક સૂકું મોરપીંછ,
જેના રંગ
ગોકુળની ધૂળમાં જ
રહી ગયા.
આખા જગતને
ગીતા સમજાવનારો
આજે
પોતાને
વિરહ
સમજાવી શકતો નથી.
– પરાગ રતનપરા