← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડુંગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાઇવે માટે
ડુંગર કાપ્યો.
ડાયનામાઇટ,
જેસીબી,
ધૂળના ગોટેગોટા.

છ મહિનામાં
સડક તૈયાર —
ચકચકિત, સીધી, સપાટ.

ડુંગરના પથ્થર
શહેરમાં ગયા,
ગ્રેનાઇટ થઈને
કોઈના રસોડાના ઓટલે ગોઠવાયા.

હવે ત્યાં
રોજ સવારે
ચા ઊકળે છે,
ને ઓટલા પરની ઝીણી રેખાઓમાં
કોઈને દેખાતું નથી
એ ઝરણું,
જે ડુંગરની છાતીમાંથી
વહેતું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબસ એટલુંઆગલો લેખ →તરસ છે