દુબઈ દેશે
સાહ્યબા, દુબઈ દેશે હાલ્યા રે, ઝોળીમાં લઈ જાજો મન,
રણની રેતે પગલાં પાડી પાછું વાળજો તન.
ત્યાં તો ઊંચા ઊંચા મહેલો, ઝળહળતી દુકાન,
પણ આંગણનો લીમડો પૂછશે: ‘ક્યાં છે તારું ધ્યાન?’
ફોનમાં તો મોઢું દેખું, ક્યાં દેખું ધડકન?
સાહ્યબા…
દર મહિને પૈસા મોકલજો બાપુની દવા કાજે,
પણ સાથે એક કાગળ લખજો ઝીણા અક્ષર આજે;
ગડી વાળી સાચવી રાખું, કરું એનું જતન.
સાહ્યબા…
પરાગ કહે: પૈસો તો મળશે, વરસે આવે થેલી,
પણ દીકરો મોટો થઈ જાશે, ભૂલી જાશે ડેલી;
વેળાસર પાછા વળજો, ઓ મારા ભોળા સાજન.
સાહ્યબા…
– પરાગ રતનપરા