ડોસો ને ડોસી
ડોસો લાવ્યો મોગરાનો ગજરો, ડોસી શરમાણી રે,
ધોળા વાળમાં ખોસ્યો ગજરો, થઈ ગઈ પાછી રાણી રે…
દાંત ગયા ને આંખે ચશ્માં, ઘૂંટણે બાંધ્યો પાટો,
તોય ડોસો બોલ્યો: ‘ચાલ, ઘડીક મારી આવીએ પાદરનો આંટો’;
લાકડીએ લાકડી ટેકવી, ચાલ્યાં લઈને જૂની કહાણી રે…
ડોસો લાવ્યો…
છોકરાં બધાં પરદેશ ગયાં, ઘર થયું સાવ સૂનું,
ડોસી રાંધે ખીચડી, ડોસો કહે: ‘સ્વાદ હજી એ જ જૂનું’;
બે જણનો સંસાર, ને મીઠી ઝીણી ઝીણી વાણી રે…
ડોસો લાવ્યો…
પરાગ કહે: આ પ્રેમ તો જાણે જૂના ઘીનો દીવો,
ઓછું બળે, પણ આખી રાત ચાલે, એવું જીવતર જીવો;
પચાસ વરસે ય આંખમાં એનું છલકે છે એ જ પાણી રે…
ડોસો લાવ્યો…
– પરાગ રતનપરા