તું પણ હતો
આખું નગર બળતું હતું, એ ધાડમાં તું પણ હતો,
ઘર ઘર ઉપર જે ગાજતી, એ રાડમાં તું પણ હતો.
બોલે ભલે: ‘મેં તો કશું કીધું નથી, જોતો હતો’,
મૂંગા રહી જોયા કરે, એ આડમાં તું પણ હતો.
કાપ્યાં હજારો ઝાડ ને રેતી થયું આખું વતન,
તારા જ સોફા, બારણાં, એ ઝાડમાં તું પણ હતો.
થીજી ગયો રસ્તા ઉપર ભૂખ્યો ભિખારી રાતમાં,
જલસો હતો તારે ઘરે, એ લાડમાં તું પણ હતો.
ફૂલો મસળનારો નથી એકાદ બસ, બોલે પરાગ,
જે બાગને રૂંધી રહી, એ વાડમાં તું પણ હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #જવાબદારી #મૌનગુનો #સમાજ #અંતરાત્મા #પરાગરતનપરા
#GujaratiGhazal #CollectiveGuilt #SilentComplicity #Conscience #SocialResponsibility #ParagRatanpara