← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છત ઉપર ચડ્યો એક છોકરો, આભે ચડ્યું મન,
પતંગ કરતાં ઊંચે ઊડ્યું એનું ભોળું તન.

‘કાપ્યો છે!’ની બૂમ પડી ને આખું ગામ જાગ્યું,
પેચ લડાવ્યા, ઢીલ મૂકી, ત્યાં કોઈનું દિલ વાગ્યું;
બાજુની છત પરથી કોઈએ ફેંક્યાં બે નયન…
છત ઉપર ચડ્યો એક છોકરો…

ફિરકી પકડી ઊભી'તી એ, ગાલ પર ગુલાલ,
દોરી એની, પતંગ મારો, કેવો આ કમાલ!
વાયરો કહે, ‘હવે ના છૂટે, આ બેઉનું બંધન’…
છત ઉપર ચડ્યો એક છોકરો…

પરાગ કહે: આ પતંગ તો સાંજે ઊતરી જાશે,
પણ જે દોરી હાથ લાગી, આખું જીવન ગાશે;
ઉત્તરાયણ તો એક દિવસની, પ્રીતનું આખું વન…
છત ઉપર ચડ્યો એક છોકરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપહેલો મોલઆગલો લેખ →આંખથી