દોરડું
ઝૂલતા’તા બાળપણમાં, હીંચકાનું દોરડું,
ને જુવાનીમાં સદાયે વાછડાનું દોરડું.
રાતભર જાગી કરી ચોકી સદા મેં મોલની,
હાથમાં ગોફણ હતી, ને માંચડાનું દોરડું.
મેઘ રૂઠ્યો, મોલ સૂક્યા, વ્યાજ વધતું ગ્યું સતત,
બેંકવાળા લઈ ગયા, બસ ખાટલાનું દોરડું.
મોભ સામે જોઈને રાતે વિચાર્યું’તું ઘણું,
દીકરીનો સાદ આવ્યો, પારણાનું દોરડું.
ખેતરે પાછો ગયો હું હાથમાં લઈ હળ, પરાગ,
જિંદગી છે ખેંચવું, બસ, આ ધરાનું દોરડું.
– પરાગ રતનપરા
#ગઝલ #ખેડૂત #દેવું #જિજીવિષા #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #FarmersLife #DebtAndDrought #WillToLive #Daughter #ParagRatanpara