દોડાવતી
જાગતો રાખે મને, ને લાલસા દોડાવતી,
ઊંઘમાં પણ સ્વપ્ન થઈને એષણા દોડાવતી.
એક હરણું રેત પર દોડ્યા કરે છે તાપમાં,
ઝાંઝવાંની ઝળહળી એ વંચના દોડાવતી.
ના જરૂરત, ના જગા ઘરમાં, છતાં ‘સેલે’ જુઓ,
‘લો મફત બે’ની સતત આ ગર્જના દોડાવતી.
ઠેઠ ગિરનારે ગયો, કાશી ગયો, મક્કા ગયો,
ને છતાં ભીતર જ બેઠી ચેતના દોડાવતી.
આ પરાગે એક પણ ફૂલે ન કીધો રાતવાસ,
મ્હેકની એવી અધૂરી ભાવના દોડાવતી.
– પરાગ રતનપરા
#ગઝલ #તૃષ્ણા #મૃગજળ #ઉપભોક્તાવાદ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #EndlessThirst #Mirage #Consumerism #InnerSearch #ParagRatanpara