ધુમ્મસ
બાપુજીની યાદ ઉપર ધુમ્મસ ઊતર્યું રે,
નામ ભૂલ્યા, ઘર ભૂલ્યા, તોય હેત ના ઊતર્યું રે.
સવારે પૂછે: ‘કોણ છો ભાઈ? ક્યાંથી આવ્યા છો?’
હું કહું: ‘તમારો દીકરો’, તો કે’: ‘સારું, ચા લ્યો.’
ભૂલી ગયા એ બધું, પણ મહેમાન-માન ના વીસર્યું રે…
બાપુજીની યાદ ઉપર…
જૂના ફોટા જોઈને કે’: ‘આ છોકરો કેવો લાગે?’
એ છોકરો હું, તોય એ એની વાતો કરે આગે;
ધુમ્મસમાં પણ એક ઝાંખું બાળપણ મારું ફર્યું રે…
બાપુજીની યાદ ઉપર…
પરાગ કહે: આ ધુમ્મસમાં પણ પ્રેમ તો રસ્તો શોધે,
નામ ભલે ના યાદ રહે, પણ હાથ હાથને ખોળે;
એમનું મન ભુલાયું, મારું મન એમાં ઠર્યું રે…
બાપુજીની યાદ ઉપર…
– પરાગ રતનપરા