ધીમે બોલ
ધીમે ધીમે બોલ, સજનવા, ભીંતોને પણ કાન,
ઘૂંઘટ પાછળ મલકું હું, ને ભૂલું સઘળું ભાન.
ઓસરીએ સાસુજી બેઠાં, હીંચકે નણદી છાની,
તારી વાતો મીઠી મીઠી, જાણે સાકર-પાની;
ધીમે બોલ, નહીં તો સાંજે ગામ કરશે ગુણગાન…
ધીમે ધીમે બોલ, સજનવા…
ચાંદો જુએ બારી વાટે, તારા કરે ઇશારા,
પવન આવી પરદો હલાવે, જાણે ચોકીદારા;
કોયલ બોલી, કાગડો બોલ્યો, સૌ જાણે આ દાસ્તાન…
ધીમે ધીમે બોલ, સજનવા…
પરાગ કહે: પ્રીત છાની રાખો, તો ય ના છુપાય,
ફૂલ ખીલે ને મ્હેક ઊડે, એમ ગામમાં ગવાય;
ધીમે બોલો કે જોરે, સુખ તો આંખો કરે બયાન…
ધીમે ધીમે બોલ, સજનવા…
– પરાગ રતનપરા