ધરતી ફૂટી
ધરતી ફૂટી રે, ફૂટ્યો લીલો અંકુર,
મારા ખેતરને શેઢે ઊગ્યું રે સિંદૂર!
આખો ઉનાળો મેં તો આભ સામું જોયું,
ઢોરાંની આંખમાં ય પાણી નહોતું સોયું;
પહેલે ફોરે રે ગામ ગાંડું થઈ નાચ્યું ચકચૂર…
ધરતી ફૂટી રે…
બાપુએ ખોબે ભરી માટી સૂંઘી ધીમે,
જાણે મંદિરનો પ્રસાદ લીધો નિયમે;
ભીની માટીએ ભૂલ્યો ભીંતોનો સઘળો ગરૂર…
ધરતી ફૂટી રે…
પરાગ કહે: એક દાણો દાટ્યો ને આવ્યા હજાર,
આપે તે પામે, એવો ધરતીનો વ્યવહાર;
નમવાનું શીખી લે, તો ઊગશે તારું ય નૂર…
ધરતી ફૂટી રે…
– પરાગ રતનપરા