ઢાળ્યો છે ખાટલો
ઓસરીએ ઢાળ્યો છે ખાટલો, આવો, પોરો ખાઓ રે,
માટલાનું પાણી ઠંડું, ઘડીક વાતો ગાઓ રે.
ક્યાંથી આવ્યા, ક્યાં જાવું છે, એ તો પછી પૂછીશું,
પહેલાં પગની ધૂળ ને માથાનો પરસેવો લૂછીશું;
ભૂખ્યા હો તો બાજરો છે, ને છાશનો મોટો લોટો,
ઘરમાં ઝાઝું નથી, પણ ભાઈ, દિલનો નથી તોટો.
ઓસરીએ ઢાળ્યો છે ખાટલો…
મહેમાન તો રામનું રૂપ, એવું બા કહેતી’તી,
ઝૂંપડીએ પણ ઉંબર પર એ દીવો મૂકી રે’તી;
આજે બંગલા ઊંચા થ્યા, ને દરવાજે છે તાળાં,
‘કોણ છો?’ પૂછે કૅમેરા, ને ભસતાં કૂતરાં કાળાં!
ઓસરીએ ઢાળ્યો છે ખાટલો…
પરાગ કહે: આ જગ તો ભાઈ, સૌનો એક ઉતારો,
કોઈ આજે, કોઈ કાલે, સૌનો આવે વારો;
આવકારો જે આપે, એનું આંગણ નહીં સુકાતું,
લીલું રહે છે એનું તુલસી, મીઠું રહે છે ભાતું.
ઓસરીએ ઢાળ્યો છે ખાટલો, આવો, પોરો ખાઓ રે…
– પરાગ રતનપરા