← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે
મંદિરના દેવને
દૂધથી નવડાવ્યા,
રેશમી વાઘા પહેરાવ્યા,
છપ્પન ભોગ ધર્યા.

મંદિરના પગથિયે
એક બાળક બેઠું હતું —
ઉઘાડું, ભૂખ્યું,
હાથમાં કાણો વાટકો.

પૂજારીએ એને હડસેલ્યું:
‘ખસ, અહીં દર્શનની લાઇન છે.’

બપોરે
દેવે આંખ ખોલી,
થાળ સામે જોયું,
ને પછી પગથિયાં તરફ.

સાંજે
પૂજારીએ જોયું —
પ્રસાદનો થાળ
ભરેલો ને ભરેલો હતો.

ને પગથિયે બેઠેલું બાળક
કોઈ અજાણ્યા હાથે મળેલો
ગરમ રોટલો
હસતાં હસતાં ખાતું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપતંગિયું અને શમાઆગલો લેખ →જવાબ