દીવો થાજો
મારું જીવન દીવો થાજો, કોઈ અંધારે અટવાય,
ઝીણી જ્યોતે મારગ જડે, ને ઘર સુધી એ જાય.
ના માગું હું સૂરજ થાવું, ના આભનો તારો,
ઝૂંપડીના ગોખલે બળું, એ જ મારો વારો;
તેલ ખૂટે તો ખૂટવા દેજો, પણ પ્રકાશ ના ઝંખવાય…
મારું જીવન દીવો થાજો…
કોઈ ભણતો હોય દીકરો, કોઈ માની હોય પૂજા,
કોઈ વાટ જોતી વિરહિણી, કોઈ રોગી બીજા;
સૌને થોડું થોડું આપી, મારું કશું ના જાય…
મારું જીવન દીવો થાજો…
પરાગ કહે: બળવું એ તો સૌ કરતાં મોટો લ્હાવો,
પોતે ઓગળી બીજાને અજવાળું દઈ જાવો;
છેલ્લી ઘડીએ ધુમાડો થઈ, આભે ઊડી જવાય…
મારું જીવન દીવો થાજો…
– પરાગ રતનપરા