← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવો ને વાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું દીવો ને હું વાટ, સાજન, બળીએ એક જ સાથ,
કોણ તેજ ને કોણ ધુમાડો, કોણ પૂછે એ વાત?

તેલ ખૂટે તો હું બળું, ને હું ખૂટું તો તું ઠરે,
એક શ્વાસમાં બંને જીવીએ, એક ફૂંકમાં ફરે;
અજવાળું તો સૌએ જોયું, કોણે જોઈ રાત?
તું દીવો ને હું વાટ…

ગંગા-જમુના ભેગી થાય, પછી કોણ ઓળખાય?
એક પ્રયાગે ડૂબકી મારે, બે મટી એક થાય;
હવે ન છૂટે બાથ, સાજન, હવે ન છૂટે હાથ…
તું દીવો ને હું વાટ…

પરાગ કહે: આ ફૂલ ને ફોરમ, કોણ કોનાથી જુદું?
ફૂલ ખરે તોય ફોરમ રહે, એ જ પ્રીતનું મુદ્દું;
હું-તું મટીને ‘આપણ’ થઈએ, એ જ સાચી જાત…
તું દીવો ને હું વાટ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગૃહપ્રવેશઆગલો લેખ →બોલ તોળીને બોલ