બોલ તોળીને બોલ
બોલ તોળીને બોલ રે, ભાઈ, બોલ તોળીને બોલ,
છૂટ્યું તીર ને બોલ્યું વેણ, ના પાછાં વળે અમોલ.
મીઠો બોલ તો મધ જેવો, ઘા પર મલમ થઈ જાય,
કડવો બોલ તો કાંટા જેવો, વરસો સુધી ખૂંચાય;
દ્રૌપદીના એક બોલે થયું આખું મહાભારત ગોળ…
બોલ તોળીને બોલ…
ઓછું બોલે તે વધુ સાંભળે, સાંભળે તે સમજાય,
ઝાઝું બોલે તે ખાલી ઘડો, ઝાઝો ખખડાટ થાય;
મૌનની પણ ભાષા છે, ભાઈ, ખોલે મનની પોલ…
બોલ તોળીને બોલ…
પરાગ કહે: એક બોલે ઘર બંધાય, એક બોલે તૂટી જાય,
એક બોલે દુશ્મન મિત્ર બને, મિત્ર દુશ્મન થાય;
જીભ ઉપર જે રામ રાખે, એનો બોલ અણમોલ…
બોલ તોળીને બોલ…
– પરાગ રતનપરા