← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવો ને હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવો ને હું, બેય જાગીએ રે, મારો સાયબો રાતપાળીએ,
મિલના ભૂંગળાએ સાદ પાડ્યો, ને ઝાંપે ઊભી હું ભાળીએ.

ખીચડી ઢાંકીને ચૂલે મૂકી, ને રોટલા બાંધ્યા કપડે,
દૂધ ગરમ કરું, ને ઠંડું પડે, ને પાછું ગરમ કરું ઝપટે;
ઘડિયાળ ટકટક કરે છે ભીંતે, ને હું ગણું છું પાળીએ.
દીવો ને હું, બેય જાગીએ રે…

છોકરાં સૂતાં ગોદડી ઓઢી, ને ચાંદો ઝૂક્યો છાપરે,
કૂતરું ભસે ગલીને નાકે, ને ધબકારો વધે મારે;
એના પગની સાઇકલ-ઘંટડી, પરખું સો ઘંટડીઓ ટાળીએ.
દીવો ને હું, બેય જાગીએ રે…

પરોઢિયે એ આવે થાક્યો, ને મારી આંખ ઢળી પડે,
પરાગ કહે, એ દીવો ઠરે, ને બીજો દીવો ઝળહળે;
એના મ્હોં પર સ્મિત જોઉં, ને રાતનો થાક ઓગાળીએ.
દીવો ને હું, બેય જાગીએ રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતને શું કહું?આગલો લેખ →હીંચકે ઝૂલું