દીવો ધરજો
દીવો ધરજો ઝરૂખે, સાજન, તો હું વાટ જડું,
અંધારી આ રાતમાં તમને પગલે પગલે અડું.
સાસુ સૂતાં, નણદી સૂતી, સૂતું આખું ગામ,
ઝાંઝર મૂકી ઓશીકે, હું નીકળું લઈને નામ;
દીવો તમે ધરજો, નહીં તો ઠેસે ઠેસે પડું…
દીવો ધરજો…
વગડે વગડે શિયાળ બોલે, ઘુવડ ગાજે ડાળે,
તારા ઓઢી નીકળી છું, કોઈ ના જોજો ભાળે;
તમ નામનું સાહસ લઈને વાઘ સામે ય લડું…
દીવો ધરજો…
પરાગ કહે: પ્રીતનો દીવો તો હૈયામાં જ બળે,
એ અજવાળે ચાલે, એને મારગ જાતે મળે;
સાજન, તમે દીવો થાજો, તો હું મારગ ઘડું…
દીવો ધરજો…
– પરાગ રતનપરા