દીવડો
મા હજી સાંજે ધરે છે રોજ ગોખે દીવડો,
દીકરો સરહદ ઉપર, ને ગામ-ચોકે દીવડો.
મેઘ ગાજે, વીજ ઝબકે, વાયરા ફૂંકાય પણ,
ના બુઝાયો, ડોલતો’તો એમ ઝોકે દીવડો.
સૂર્ય ડૂબ્યો, ચાંદ રૂઠ્યો, તારલા ઝાંખા થયા,
રાતને આવી જતી, બસ એક રોકે દીવડો.
આંખ માની હોય જાણે, એમ ઝળકે ઓરડે,
પાપને પંથે વળું તો, ખૂબ ટોકે દીવડો.
આ ‘પરાગે’ ફૂલ મૂક્યું, મ્હેક ભેળી જ્યોતમાં,
ને સુગંધી ઝળહળે છે આ ત્રિલોકે દીવડો.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવો #સૈનિક #મા #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Lamp #SoldiersMother #LightOfHope #Conscience #ParagRatanpara