← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવાનખાનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મહેમાન આવવાના છે.

દીવાનખાનું
ગોઠવું છું —
સોફા પર નવું કવર,
કાચના કબાટમાં
ચાંદીના કપ,
દીવાલ પર
વિદેશમાં પાડેલો
અમારો હસતો ફોટો.

બાનો ખાટલો
અંદરના ઓરડામાં
ખસેડી દીધો.
એની ખાંસી
બારણું બંધ કરીને
ઢાંકી દીધી.

મહેમાન આવ્યા.
વખાણ કર્યાં:
‘કેટલું સરસ ઘર છે!’

જતાં જતાં
એમના નાના દીકરાએ પૂછ્યું:
‘અંદર કોણ ખાંસે છે?’

આખું દીવાનખાનું
એક ક્ષણ માટે
અવ્યવસ્થિત થઈ ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરક્તદાનઆગલો લેખ →સાદું ગીત