દીકરા, શેઢો સાંભરજે
દીકરા, પરદેશ જા તો જાજે, પણ ખેતરનો શેઢો સાંભરજે,
આંબાની ડાળે બાંધેલો હીંચકો, ઝૂલતો ઝૂલતો રે તું ફરજે.
તારાં મૂળ તો આ કાળી રે માટીમાં, જેમાં તારી દાદીની રાખ,
તારા પગની પહેલી રે પગલી, ને તારા પરસેવાની સાખ;
ઊંચાં મકાનોની ઝગમગ જોઈને, આ ઝૂંપડીને ના વિસરજે.
દીકરા, પરદેશ જા તો જાજે…
વરસાદ પડે તો ફોન કરજે, આપણ સાથે ભીંજાશું,
દિવાળીએ દીવો મૂકજે ત્યાં, અમે અહીં ઝળહળાશું;
ભાષા નવી શીખજે, બેટા, પણ માની બોલીમાં રડજે.
દીકરા, પરદેશ જા તો જાજે…
પાછો આવે ત્યારે બાપ ન હોય, તો ય ખેતર તો હશે,
પરાગ કહે, એ ધૂળની ચપટી, તારે કપાળે ચડશે;
એક રે ક્યારો તો સાચવજે, ત્યાં તુલસીનો છોડ ઉછેરજે.
દીકરા, પરદેશ જા તો જાજે…
– પરાગ રતનપરા