← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરિયાપારનો વાલમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાપાર વસ્યો રે વાલમ, ને અહીંયાં હું એકલડી,
તારી સવાર ને મારી રાતે ઝૂરે ઘડી ને ઘડી.

દિવસે તારા ફોટા જોઉં, રાતે ગણું હું તારા,
ફોનની ઘંટડી રણકે ત્યાં તો ઊઘડે મનનાં દ્વારાં;
‘હલો’ કહું ત્યાં ‘ગુડ નાઈટ’ તારું, વાત રહી અધૂરી પડી…
દરિયાપાર…

ચાંદો ચડે ત્યાં ચાંદની થઈને બારીએ ઊભી રહું,
વાયરા સાથે સંદેશો મોકલું, બીજું કશું ના કહું;
વિઝા વગરનું મન મારું તો પહોંચ્યું સરહદ ચડી…
દરિયાપાર…

પરાગ કહે: આ પ્રેમને ના વિઝા, ના પરવાનો,
સાત સમંદર ઠેકી જાય, એવો જીવ દીવાનો;
આંખ ખૂલે ને ભીનું ઓશીકું, ને હૈયે ટપકી કડી…
દરિયાપાર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપહેલી પ્રીતઆગલો લેખ →સરનામું