← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરિયાને ઉપાલંભ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયા, તારાં મોજાં ગણતી, રાત પડી ગઈ ઘેરી,
મારો માછીમાર ગયો તે પાછો ના આવ્યો, વેરી!

તેં જ દીધી’તી માછલી, ને તેં જ દીધો રોટલો,
તારે ભરોસે બાંધ્યો’તો મેં મારા ઘરનો ઓટલો;
આજ તારી હર લહેર લાગે નાગણ જેવી ઝેરી…
દરિયા, તારાં મોજાં ગણતી…

ખારું પાણી તારું, ને મારી આંખોનું પણ ખારું,
બંને ખારાં, બંને ઊંડાં, ને બંનેમાં અંધારું;
તોય તને હું પૂજું, દરિયા, બાંધી ગાંઠ અનેરી…
દરિયા, તારાં મોજાં ગણતી…

પરાગ કહે: એ નારી બેઠી રોજ સવારે કાંઠે,
દીવો મૂકી મોજાં પર, ને બાંધી આશની ગાંઠે;
દરિયો ચૂપ, ને આંખ ભરેલી, રાત બધી અંધેરી…
દરિયા, તારાં મોજાં ગણતી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅધૂરી વાતઆગલો લેખ →મજૂરણ