દાદીમાની ગોદડી
દાદીમા રે દાદીમા, તારી વાતોનો ભંડાર,
રાત પડે ને ખોલે તું તો પરીઓનો દરબાર.
સોયમાં દોરો ન પરોવાય, બોલાવે મને પાસ,
હું પરોવી દઉં તો આપે સાકર ને આશિષ ખાસ;
એક દોરે સાંધે ગોદડી, બીજે સાંધે પરિવાર…
દાદીમા રે દાદીમા…
ખાટલે બેસી ફેરવે માળા, ગણતી સૌનાં નામ,
કોઈ પરદેશ, કોઈ શહેરમાં, કોઈ ન આવે ગામ;
તોયે પૂનમે દીવો મૂકે, જોતી રહે બેઉ દ્વાર…
દાદીમા રે દાદીમા…
પરાગ કહે: દાદી ગઈ, પણ ગોદડી રહી ગઈ પાસ,
ઓઢું ત્યાં તો વાર્તા જાગે, હૂંફે ભરિયો શ્વાસ;
ટાંકે ટાંકે દાદી બેઠી, વાતો કરે અપાર…
દાદીમા રે દાદીમા…
– પરાગ રતનપરા