દાદાજીનો રેડિયો
દાદાજીનો રેડિયો વાગે, ખરખર ખરખર ગાય,
જૂનાં ગીતો સાંભળી ઓસરી આખી ઝૂમી જાય.
સવારે ‘વંદે માતરમ્’, ને બપોરે સમાચાર,
સાંજ પડે ત્યાં ફરમાઈશ, ને રાતે ભજન-ઝંકાર;
ઍન્ટેના ફેરવી ફેરવી દાદા સ્ટેશન શોધવા જાય…
દાદાજીનો રેડિયો…
ક્રિકેટ મૅચની કૉમેન્ટરીમાં આખું ફળિયું બેસે,
ચોગ્ગો પડે ત્યાં ચીસો પાડે, વિકેટ પડે ત્યાં રીસે;
દાદી કહે: ‘આ ડબલું ઓછું, કોક મને સંભળાય!’
દાદાજીનો રેડિયો…
પરાગ કહે: હવે ફોનમાં લાખો ગીત સંઘરાયાં,
પણ એ ખરખર જેવો જાદુ કોઈ ગીત ન લાયા;
દાદા ગયા, ને રેડિયો આજે ખૂણે મૂંગો થાય…
દાદાજીનો રેડિયો…
– પરાગ રતનપરા