ચૂપચાપ ચાહું
પિયુ, હું તો કાંઈ ના જાણું, બસ ચૂપચાપ ચાહું રે,
નામ તારું હોઠે ના લાવું, મનમાં ગાઉં ગાઉં રે.
તું આવે ત્યાં પાંપણ ઢાળું, તું જાય ત્યાં ઝરૂખે,
તારી ચાલના પડઘા ગણતી, બેઠી રહું હું ભૂખે;
કોઈ પૂછે તો ‘કાંઈ નહીં’ કહી, ઘૂંઘટમાં છુપાઉં રે…
પિયુ, હું તો…
તારા પગલાંની ધૂળ ઉપાડી, રાખી છે મેં ડાબલીમાં,
તારી ઉધરસનો સાદ સાંભળું, ને જાગું આખી રાતમાં;
તું ના જાણે, જગ ના જાણે, હું જ મને સમજાઉં રે…
પિયુ, હું તો…
પરાગ કહે: જે બોલે, એ પ્રેમ તો હળવો રહે,
ચૂપચાપ ચાહે, એનો પ્રેમ તો સાગર જેવો વહે;
દીવો બળે ને ખબર ન પડે, એમ હું ય બળી જાઉં રે…
પિયુ, હું તો…
– પરાગ રતનપરા