ચોમાસું
ગગન કોરું, ધરા કોરી, અરે આ ગરમ ચોમાસું,
નયનમાં વાદળો દેખ્યાં, હતું બસ ભરમ ચોમાસું.
ધરા ફાટી, કિસાનોની બળી છાતી, ઢળી આંખો,
લખાયું એ જ ભાલે, ને નઠારું કરમ ચોમાસું.
પ્રધાને હેલિકૉપ્ટરથી દુકાળો જોઈ લીધા, ત્યાં
પછી તો વાદળોને પણ ચડી’તી શરમ? ચોમાસું!
ગયું એ બાળપણ જ્યારે ઝબોળાતાં હતાં આંગણ,
હવે ક્યાં છે? હતું માની હથેળી-નરમ ચોમાસું.
‘પરાગે’ આંસુથી સીંચ્યાં તરસ્યાં ખેતરો સઘળાં,
હતું તો એ જ ને: મારી ગઝલનો ધરમ ચોમાસું.
– પરાગ રતનપરા
#ગઝલ #દુકાળ #ચોમાસું #ખેડૂત #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Drought #FailedMonsoon #FarmersPain #PoetsDuty #ParagRatanpara