← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૫૮૬–૯૬૦૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૫૮૬.
મા અહીં જાગી રહી, ત્યાં દીકરાને છે સવાર,
એક ફોને બે સમયના ભેદમાં ઝૂલે હૃદય.

૯૫૮૭.
તું હસી, ને આંગણાનો ગુલમહોરો મ્હોરિયો,
તું રડી, તો આભ આખું વાદળે ઘેરાઈ ગ્યું.

૯૫૮૮.
રોજ રાતે ચેનલો પર ચીસ ને ઘોંઘાટ છે,
સત્ય રડતું એક ખૂણે, જીતતો ઘાંટો જ ત્યાં.

૯૫૮૯.
બાપુએ ક્યારેય ના કીધું: ‘વહાલો તું મને’,
ફી ભરી દીધી સમયસર, બૂટ ફાટેલા ભલે.

૯૫૯૦.
ફૂલ ડાળીએ રહે, ને મૂળ માટીમાં રહે,
આ પરાગે તો સફર કીધી અને જગ જોઈ લ્યું.

૯૫૯૧.
છાપરું ટપકે, અને મા મૂકતી વાસણ બધે,
ને અમે ટીપાં ગણીને રાત કાઢી ખેલમાં.

૯૫૯૨.
શબ્દ પાસે હાથ જોડી, શારદાને વીનવું:
એક સાચી પંક્તિ દે, બાકી બધું લઈ જા ભલે.

૯૫૯૩.
ઓટલે માજી, અને સૌ ગામની તાજી ખબર,
એ જ ગામે રેડિયો, છાપું અને ચૅનલ હતાં.

૯૫૯૪.
સાગરે ખારાશમાં મોતી ઉછેર્યાં પ્રેમથી,
આદમી મીઠાશથી ભીતર ભરે છે ઝેરને.

૯૫૯૫.
ના સુગંધી અત્તરે, ના બાટલીમાં કેદ છું,
હું પરાગી, વાયરાની આંગળી ઝાલી ફરું.

૯૫૯૬.
જન્મદિવસે ફેસબુક પર પાંચસો ‘વિશ’ સાંપડી,
ને ઘરે ના કોઈને એ યાદ આવ્યું, શું કરું?

૯૫૯૭.
લીમડો કાપી, બનાવ્યું ત્યાં અમે પાર્કિંગ, ને
આજ ગાડી પણ તપે છે, છાંયડો શોધ્યા કરે.

૯૫૯૮.
મિત્ર ચાલ્યો ગ્યો, હવે નંબર હજી છે ફોનમાં,
રોજ જોઉં છું, ન કાઢું, ના લગાડું, શું કરું?

૯૫૯૯.
ના મને મંદિર ગમે, ના ઘંટનો ઘોંઘાટ પણ,
ફૂલ પર ઝૂલે પતંગો, એ જ મારી પ્રાર્થના.

૯૬૦૦.
દીકરો પરદેશ ગ્યો, મા ઓસરીએ ઝૂરતી,
રોજ સાંજે ફોનની જોતી રહે છે વાટ એ.

૯૬૦૧.
ગામમાં તારા ઘણા’તા, આભ ખુલ્લું રાતભર,
આ નગરની રોશનીએ તારલા ખાધા બધા.

૯૬૦૨.
કોઈ પૂછે, ‘કોણ છો?’ હું ઓળખું ખુદને નહીં,
ફૂલનો કે વાયરાનો? બેઉનો છું હું પરાગ.

૯૬૦૩.
બાળપણમાં પાવલીમાં હાટ આખું ભાળતો,
આજ લાખોના પગારે મન સદા ખાલી રહે.

૯૬૦૪.
પત્ર તારા બાળવા બેઠો હતો હું તાપણે,
આગ ઠારી આંસુએ, ને પત્ર ત્યાંના ત્યાં જ છે.

૯૬૦૫.
પાનખરમાં ઝાડ નાગું, ડાળ સૂની સાવ ત્યાં,
તોય ભીતર મૂળમાં ઊંઘે વસંતો કેટલી.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૯૫૬૬–૯૫૮૫આગલો લેખ →છૂટા શેર ૯૬૦૬–૯૬૨૫