← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૪૧–૧૦૦૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૪૧.
નદી પાર ઊભું હતું ગામ એક,
ન હોડી, ન કેડી, ન સાથી સગું.

૯૪૨.
ઘણું દૂર ચાલ્યો, ન આવ્યું કશું,
પછી ભાન આવ્યું: હતું ઘર અહીં.

૯૪૩.
તમે આવશો, વાત ઊડી હતી,
છતાં ગામ આખું સજાવ્યું અમે.

૯૪૪.
કમાયો ઘણું, ને સજાવ્યું ભવન,
ન એમાં ઘડી કોઈ બેસે હવે.

૯૪૫.
પરાગે ઘણું મ્હેકવું છે હજી,
ભલે ડાળ છૂટે, ખરે ફૂલ પણ.

૯૪૬.
હતી એક બારી, હતો ચાંદ ત્યાં,
હવે ભીંત ઊભી, ગયો ચાંદ ક્યાં?

૯૪૭.
નગરમાં ઘણાં છે ઝગારા, છતાં
અહીં માણસોની નજર ધૂંધળી.

૯૪૮.
ન થાકી કદી, ના કશું બોલતી,
બધું ઘર ઉપાડી, હસી મા સદા.

૯૪૯.
હજારો ભરી એપ મેં ફોનમાં,
ખુશીની ન એકે મળી એપ, ભાઈ!

૯૫૦.
ઝરે એક ટીપું, ધરા મ્હેકતી,
ઘણાં વર્ષની પ્યાસ છીપાવતી.

૯૫૧.
તને જોઈ, ભૂલ્યો બધાં કામ હું,
તને જોઈ, ભૂલ્યો મને પણ ઘડી.

૯૫૨.
સવારે ગયો, રાતના આવતો,
ઘરે બાળ મોટું થયું, ના ખબર.

૯૫૩.
હતા વાયદા, વોટ લઈ ગ્યા બધા,
પછી ગામનું નામ ભૂલી ગયા.

૯૫૪.
હતી આંખ ઝાંખી, છતાં સોયમાં
પરોવી રહી સ્નેહ-દોરો હજી.

૯૫૫.
પરાગે સુગંધી ધરી ચોતરફ,
ન માગી કદી દાદ, ના કોઈ દામ.

૯૫૬.
પડોશી હતા, વાટકી વ્હેંચતા,
હવે વાડ ઊંચી, અબોલા ઘણા.

૯૫૭.
તને શોધવા હું ગયો દૂર દૂર,
ગયો ‘હું’, પછી તું જ ઊભો હતો.

૯૫૮.
ખરે પાંદડાં, ઝાડ હસતું રહે,
નવી કૂંપળોનો ભરોસો હશે.

૯૫૯.
હજી ઢીંગલી ઓરડે જાગતી,
હવે દીકરીના વિના ઘર રડે.

૯૬૦.
પતંગો બળે, દીપ પણ ત્યાં બળે,
બળે બેઉ, ને પ્રેમ ઝળહળ થતો.

૯૬૧.
હતી લાકડી એક ખૂણે પડી,
હજી ઠક ઠકે રાત આખી ઘરે.

૯૬૨.
પરિંદું ગયું, ડાળ ધ્રૂજી રહી,
જવું છે બધાએ, પછી શોક શો?

૯૬૩.
નભે વાદળો, ને ખુશી ખેતરે,
હળે બાપુનાં ગીત ઊગ્યાં કરે.

૯૬૪.
છબીમાં હજી તું હસે છે સદા,
અને હું છબી બ્હાર રડતો રહું.

૯૬૫.
પરાગે કહી વાત જ્યાં ફૂલને,
હવે બાગ આખો હસે મોજથી.

૯૬૬.
ઘણાં વર્ષ સાથે, ઘણાં મૌન પણ,
હવે આંખથી વાત થઈ જાય છે.

૯૬૭.
ભરી ચોપડી ધૂળ ઓઢી રહી,
બધાની નજર ફોન પર ઠેરતી.

૯૬૮.
ગરીબી ઘરે, પણ હસે છોકરાં,
નથી ખેલ, તો ધૂળ સાથે રમે.

૯૬૯.
પડે સાંજ, તોયે ઝરૂખે હજી
રહી બા, નજર એક કેડી પરે.

૯૭૦.
પરાગે ગઝલમાં ભરી ચાંદની,
અમાસે ય રાતો હવે ઝળહળે.

૯૭૧.
હતી ઝાલરો, ને હતી આરતી,
હવે ભૂંગળાંમાં ભજન ગાજતાં.

૯૭૨.
નથી કોઈ પાસે સમય આ નગર,
છતાં સિગ્નલોમાં કલાકો સડે.

૯૭૩.
ઘણા ખડ્ગ તૂટ્યા, ગયા તાજ પણ,
કલમના લખેલા હજી બોલ છે.

૯૭૪.
હતાં રેતનાં ઘર નદીને તટે,
હવે ઘર ઘણાં, પણ નથી એ મજા.

૯૭૫.
નશો ક્યાં સુરામાં? નજરમાં હતો,
જરા તું જુએ, તો નશામાં રહું.

૯૭૬.
નથી તેલ, તોયે બળે દીવડો,
દિવાળી ગરીબે ય ઝળહળ થતી.

૯૭૭.
પરાગે ભરી મ્હેક શબ્દો મહીં,
હવે શબ્દ ખીલે, હસે કાગળો.

૯૭૮.
ગયો લાડલો સાત સાગર વટી,
હવે ફોન પર બા કહે: ઠીક છું.

૯૭૯.
ચિતા જ્યાં ઠરી, તો ગયા સૌ ઘરે,
રહી રાખ, ને એક ખાલી જગા.

૯૮૦.
હતો પત્ર, જે મોકલાયો નહીં,
હજી ડાયરીમાં ઘણો જીવતો.

૯૮૧.
પરાગે ન રાખ્યું કશું પોતનું,
હવાને ધરી મ્હેક, ખાલી થયો.

૯૮૨.
ઘણું બોલવું'તું, ન બોલ્યો કદી,
હવે મૌન મારું કબરમાં હસે.

૯૮૩.
હતી આંબલી, ને હતાં કાતરા,
હવે બાળકોને ખબર પણ નથી.

૯૮૪.
હતી એક છત્રી, હતાં બે જણાં,
છતાં બેઉ ભીંજ્યાં, ખુશીથી ઘણાં.

૯૮૫.
ગઝલ શું? ઘડી એક ધબકાર છે,
હૃદય જે કહે, એ કલમ ઝીલતી.

૯૮૬.
ઢળે સૂર્ય, ને લાલ થાતું ગગન,
દિવસ જાય છે, દઈ ગુલાલી વિદા.

૯૮૭.
ગયું ઘર, ગયું ગામ, ગ્યા સૌ સગાં,
રહી માત્ર યાદો, ભરી આંખ, બસ.

૯૮૮.
હતા બાપુ હસતા વિદાયે બધે,
પછી રાતભર ઓરડે એકલા.

૯૮૯.
પરાગે ધરી ફૂલ જેવી ગઝલ,
તમે શ્વાસ લીધો, સભા મ્હેકતી.

૯૯૦.
નવી મૂર્તિ ઊભી કરી ચોકમાં,
તળે બાળ ભૂખે મરે રાતના.

૯૯૧.
પડે સાંજ, ગાયો વળે ઘર ભણી,
અને ઘંટડી ઘર સુધી ગાય છે.

૯૯૨.
જનારાં ન પાછાં વળે, જાણતો,
છતાં રોજ બારી ઉઘાડી રહું.

૯૯૩.
હતી ચાંદની, ને હતી તું ય પાસ,
હવે ચાંદ છે, પણ નથી રાત એ.

૯૯૪.
વહેંચી જમીનો, વહેંચ્યાં ઘરો,
ન વ્હેંચાય બાની મમત, ભાઈ રે.

૯૯૫.
ગયું વાદળું, ગામ કોરું હજી,
નિહાળે ગગન ખેડુ આશા ભરી.

૯૯૬.
હતી ઓસરી, ને હતી વારતા,
બળે દીપ, ને એક દાદી હતી.

૯૯૭.
હસે હોઠ, પણ આંખ ભીની રહે,
નગરમાં ઘણા આમ જીવ્યા કરે.

૯૯૮.
નભે તારલા ઝળહળે રાતભર,
ગરીબી ઘરે એક દીવો નથી.

૯૯૯.
પડે મેઘ, ને બાળ નાચે બધે,
ઉઘાડે પગે, ને ઉઘાડે ગળે.

૧૦૦૦.
વચન એ હતું: ચાંદ લાવી દઉં,
હવે ચાંદલો પણ ન લાવી શકું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૬૬–૯૪૦આગલો લેખ →છૂટા શેર ૧૦૦૧–૧૦૩૦