← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૦૬૬–૯૧૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૦૬૬.
સાંજ પડતાં બા હજી પણ બારણે બેસી રહે,
દીકરો પરદેશથી ના આવશે, એ જાણતાં.

૯૦૬૭.
બાપની ખાંસી સુણું છું રાતના હું આજ પણ,
એ જ ખાંસીથી ડરીને ચોર પણ પાછા જતા.

૯૦૬૮.
ઓસરી સૂની પડી ને આંગણું સૂનું થયું,
ગામ છોડી દીકરા સૌ ડૉલરોની દોડમાં.

૯૦૬૯.
દીકરી ગઈ સાસરે ને ઢીંગલી પણ મૌન છે,
આજ ચકલી ઠીબ પર આવી, ન ગાયું ગીત કંઈ.

૯૦૭૦.
રોટલો બા શેકતી, ને ગંધ આખા ગામમાં,
ઘેર પીઝા આવતા, પણ ગંધ એવી ક્યાં મળે?

૯૦૭૧.
લોક છાપું વાંચતા, હું આંખ વાંચું લોકની,
બેઉમાં સરખું જ છાપ્યું: સાચ ઓછું, જૂઠ બહુ.

૯૦૭૨.
ભીડમાં ઊભો રહીને હું ય ખોવાતો ગયો,
ભીડ પૂછે છે મને, ‘તું કોણ છે? શું નામ છે?’

૯૦૭૩.
આયનાને રોજ લૂછું, તોય ઝાંખો હું જ છું,
ધૂળ મારી આંખમાં છે, કાચનો શો વાંક છે?

૯૦૭૪.
વૃક્ષ કાપી, ફ્લેટ બાંધી, બાલ્કનીમાં ફૂલ-છોડ,
ને મનાવે ‘વૃક્ષ-દિન’ પણ, ધૂમધામે ઠાઠથી.

૯૦૭૫.
કોણ બોલ્યું કે ગરીબી દેશમાંથી ગઈ હવે?
ભીંત ઊંચી, રંગ ચોખ્ખો, ઝૂંપડાં ઢંકાઈ ગ્યાં.

૯૦૭૬.
વોટ લેવા આવતા'તા હાથ જોડીને બધા,
પાંચ વરસો કાચ ઊંચા, બંધ ગાડીમાં ફરે.

૯૦૭૭.
ફૂલ ખીલ્યું ને પવનને એટલું કીધું હસી,
‘લઈ જજે આ મ્હેક મારી, હું અહીં ખરવા રહીશ.’

૯૦૭૮.
ઓસ ટપકે પાંદડેથી, ભોંય જાણે રોઈ ગઈ,
સૂર્ય આવ્યો, આંસુ લૂછ્યાં, ને કશું પૂછ્યું નહીં.

૯૦૭૯.
પાંખથી પીંછું ખરે તો આમ લાગે છે મને,
ઊડવાનું આભ પણ થોડું ખરી જાતું હશે.

૯૦૮૦.
વીજ ચમકી, મેઘ ગાજ્યા, ને ધરા ભીંજાઈ ગઈ,
આભને જોતાં જ ખેડૂની ય આંખો ઊભરી.

૯૦૮૧.
રાતભર જાગી પ્રતીક્ષામાં બળીને દીવડો
ભોર થાતાં ઓલવાયો, એ જ વેળા તું ઘરે.

૯૦૮૨.
પત્ર તારો આજ પણ હું રાતના વાંચ્યા કરું,
અક્ષરો ઝાંખા થયા, ભીનાશ એની એ જ છે.

૯૦૮૩.
તું જતાં ઘરની હવા પણ સાથ ચાલી ગઈ, પ્રિયે,
શ્વાસ લેવા હું હવે ઘરની ઉપર ધાબે ચડું.

૯૦૮૪.
પ્રેમમાં હાર્યા પછી મેં આટલું જાણ્યું ખરું,
જીતનારા પણ હતા મારી જ પેઠે એકલા.

૯૦૮૫.
લોક કે’તા કે સમય ઘા રૂઝવી દે છે બધા,
પણ સમય પોતે જ મારો ઘા બની બેસી ગયો.

૯૦૮૬.
દ્વારિકા ચાલ્યા ગયા ને વાંસળી મૂકી ગયા,
રાધિકાએ જિંદગીભર એ જ ફૂંકી શ્વાસમાં.

૯૦૮૭.
ઝેરનો પ્યાલો ય મીરાં ગટગટાવી ગઈ હસી,
પ્રેમ એવી ચીજ છે, જે ઝેરને મધ પણ કરે.

૯૦૮૮.
ઘાટ પર બેસી નિહાળું છું ચિતાઓ રોજ હું,
લાગતું કે એ ચિતા પરની નથી, મારી જ છે.

૯૦૮૯.
ગોળ ફરતી સોય, રોજે એ જ આંકો પર ફરે,
તોય પાછો ક્યાં ફરે છે, એક પળ વીતી ગયેલ?

૯૦૯૦.
ઝાડ ઘરડું થઈ ગયું, પણ છાંયડો ઘરડો નથી,
બાપ પેઠે તાપમાં ઊભું રહે છે ચૂપ એ.

૯૦૯૧.
બાળપણમાં ચાંદ મામા, ને યુવાનીમાં પ્રિયા,
ને બુઢાપે ચાંદ લાગે છે દવાની ટીકડી.

૯૦૯૨.
ગામના ચોરે હવે ના વાત, ના એ ડાયરો,
સૌ નમેલા ફોનમાં છે, એકલો વડ ચૂપ છે.

૯૦૯૩.
જીમમાં દોડ્યા ઘણું ને વજન ના ઓછું થયું,
બા કહે, ‘પોતું ઉપાડી ઘર ઘસો, તો ઊતરે!’

૯૦૯૪.
ઘર હતું તો ઘર ન લાગ્યું, દૂર દેશે હું ગયો,
ઘર ગયું, ને એ પછી તો સૌ જગત છે પારકું.

૯૦૯૫.
પાંખ આવી, ને પરિંદાં ઊડતાં પરદેશ ગ્યાં,
વૃદ્ધ માળો એકલો ગણતો રહે પીંછાં બધાં.

૯૦૯૬.
ચાંદ પર જળ શોધવાને આભ આખું ખોળતો,
પણ પડોશીના હૃદયમાં શું, ન એ જાણ્યું કદી.

૯૦૯૭.
શબ્દ મેં ઘડ્યા, મઠાર્યા, ને સજાવ્યા પ્રેમથી,
બાળકે ‘મા’ શબ્દ બોલ્યો, ને બધા ઝાંખા થયા.

૯૦૯૮.
આ ‘પરાગે’ ફૂલ પાસે મ્હેક માગી, તો કહે:
‘મ્હેક દેવા, ડાળ છોડી, ધૂળમાં ખરવું પડે.’

૯૦૯૯.
વાદળોની ઓથમાં પણ સૂર્ય તો બળતો રહે,
દુઃખ ઢાંકે, તું છતાંયે સૂર્ય જેવો રાખજે.

૯૧૦૦.
સાવ ખાલી હાથ આવ્યો, એ જ રીતે જઈશ હું,
આ વચાળે જે ઉપાડ્યો, ભાર એનું નામ શું?

૯૧૦૧.
રેલના પાટા સમો આ સાથ છે આપણ તણો,
સાથ ચાલ્યા જિંદગીભર, પણ કદી ભેગા નહીં.

૯૧૦૨.
દોસ્ત, તારા પ્રેમ પર એવો મને વિશ્વાસ છે,
તું કહે તો ઝંપલાવું, ને ન પૂછું, ક્યાં નદી.

૯૧૦૩.
કેટલાં વર્ષો પછી મળ્યા અમે બે બાલમિત્ર,
વાત ઓછી, મૌન ઝાઝું, ને હસી બસ આંખ પણ.

૯૧૦૪.
પાંદડું પીળું ખરે, તો ડાળ પણ રોતી હશે,
એ કશું બોલે નહીં, પણ ઘાવ તો સ્હેતી હશે.

૯૧૦૫.
જે દિવસ લઈ સાથ છત્રી, એ દિવસ કોરો ગયો,
એક દી’ ભૂલી ગયો, ને આભ આખું વરસતું.

૯૧૦૬.
રોટલા ઘડતી રહી, તો હસ્તરેખા સાફ થઈ,
ભાગ્ય બાનું જ્યોતિષી પણ ક્યાં કદી વાંચી શકે?

૯૧૦૭.
ખાટલો છે સાવ ખાલી, લાકડી ખૂણે પડી,
આજ પણ એ રાહ જોતી, કો’ક એને ઝાલશે.

૯૧૦૮.
ભીંત પર તારીખ બદલી, વર્ષ બદલાયાં, છતાં
બાપના ફોટે ચડેલો હાર સુક્કો એ જ છે.

૯૧૦૯.
મંદિરે નેતા ગયા છે, ચૂંટણી આવી હવે,
ઈશ પૂછે: ‘પાંચ વરસે યાદ આવી કેમ, ભાઈ?’

૯૧૧૦.
સ્ક્રીન પર સો દિલ ચમકતાં, ને હૃદય ખાલી હતું,
એક પણ સાચું ધબકતું દિલ કદી દીઠું નહીં.

૯૧૧૧.
સિગ્નલે થોભી ગયો, પણ જિંદગી દોડ્યા કરી,
રંગ બદલે ત્યાં સુધીમાં આયખું પૂરું થયું.

૯૧૧૨.
માખણો ચોરી ગયો તો ગામ આખું ખુશ થયું,
દ્વારિકાનો નાથ થ્યો, તો ગામ આખું રોઈ ગ્યું.

૯૧૧૩.
છેવટે ન્હાવા મને સૌ લોક ભેગા થઈ ગયા,
જીવતાં જેણે કદી ના ભાવ પૂછ્યો, એ ય ત્યાં.

૯૧૧૪.
આંસુ ટપકી કાગળે ને અક્ષરો ઝાંખા થયા,
વાંચનારે દાદ દીધી: ‘ભાત આ કેવી નવી!’

૯૧૧૫.
શોધતો ફર્યો ખુદાને મંદિરે ને દેવળે,
ભૂખ લાગી’તી ખુદાને, ઝૂંપડીમાં એ હતો.

૯૧૧૬.
દીકરી હસતી રહે તો ઓરડા ઝળહળ રહે,
ના દિવાળી જોઈએ, ના જોઈએ દીવો કશો.

૯૧૧૭.
ગ્રીન-ટી પીધી ઘણી ને સૅલડો ખાધાં ઘણાં,
તોય કાંટો એ જ બોલ્યો, ને જલેબી ત્યાં હસી.

૯૧૧૮.
માસ માસે ડૉલરો ખાતે જમા છે, તોય પણ
બા કહે છે: ‘એક દી’ આવી જજે’, ધન ના ખપે.

૯૧૧૯.
બીજ વાવ્યાં, વ્યાજ ઊગ્યું, પાક તો પાક્યો નહીં,
ને પછી ખેડૂ જ પોતે ધૂળમાં વાવ્યો ગયો.

૯૧૨૦.
મૌનનું પણ વ્યાકરણ છે, જે સમજતો, એ જ ચૂપ,
બોલનારા શબ્દ ગોખે, અર્થ ચૂકી જાય છે.

૯૧૨૧.
આ ‘પરાગે’ બાગ છોડ્યો, મ્હેક લઈ ગ્યો ગામમાં,
ડાળ ઊભી, ફૂલ ઊભાં, ગંધ ભટકે વાયરે.

૯૧૨૨.
આ ‘પરાગે’ શબ્દ વાવ્યા, ધૂળમાં ને ધૂપમાં,
કોઈ વાંચે કે ન વાંચે, ઊગશે એ ભોરમાં.

૯૧૨૩.
ડાળ પર ના, ફૂલમાં ના, ક્યાંય પણ ના ઘર મળે,
વાયરા સંગે ભમું છું, એ જ ઘર છે, ઓ ‘પરાગ’.

૯૧૨૪.
આ ‘પરાગે’ ગામ છોડ્યું, પણ ન છોડી ગામઠી,
શ્હેરમાં પણ કાઠિયાવાડી લહેકો ના ગયો.

૯૧૨૫.
ફૂલ ખરશે, પાન ખરશે, મોસમો બદલાય પણ,
વાયરામાં મ્હેક થઈને જીવશે એ તો ‘પરાગ’.

૯૧૨૬.
કાલની આશા મહીં આ આજ ઢળતી જાય છે,
ને પછી એ કાલ પણ ગઈ કાલ થઈને જાય છે.

૯૧૨૭.
ફ્લેટમાં સો ઘર વસે, ને એકબીજાથી અજાણ,
લિફ્ટમાં સાથે ચડે, પણ સાથ ના એકે ઘડી.

૯૧૨૮.
રોજ પૂછે ફોનમાં બા: ‘ખાઈ લીધું કે નહીં?’
‘હા’ કહીને બેઉ સૂતાં, બેઉ ભૂખ્યાં રાતભર.

૯૧૨૯.
આંખ ઝાંખી, કાન સૂના, દાંત ખરતા જાય છે,
તોય જીભે સ્વાદ લેવાની ખુમારી છે હજી.

૯૧૩૦.
મેઘ વરસે, શાયરો સૌ ગીત ગાવા બેસતા,
ને ટપકતા છાપરે મા ગોઠવે છે વાસણો.

૯૧૩૧.
છપ્પનો ભોગો ચડાવે, બારણે ભૂખ્યો રડે,
દેવ પણ જોતા હશે, પણ પથ્થરોમાં ચૂપ છે.

૯૧૩૨.
દફતરો ભારે થયાં ને બાળપણ હળવું થયું,
ટ્યૂશનોની દોડમાં ખોવાઈ ગ્યાં સૌ ખેલકૂદ.

૯૧૩૩.
લગ્નમાં ગાડી મળી ને સાસરું રાજી થયું,
દીકરીના આંસુઓનું મૂલ્ય ના પૂછ્યું કશું.

૯૧૩૪.
આયનો ભોળો હતો, સાચું બધું બોલી ગયો,
એટલે ઘરના બધાએ ભીંત પરથી કાઢિયો.

૯૧૩૫.
સરહદે એ જાગતો, તો ગામ આખું ઊંઘતું,
ને તિરંગે એક દી’ પાછો ઘરે આવી ગયો.

૯૧૩૬.
મ્હેલ છોડ્યો, રાજ છોડ્યું, ને સગાં સૌ દૂર થ્યાં,
એકતારો હાથમાં, ને શ્યામ આખો સાથમાં.

૯૧૩૭.
આજ નોટે બાપુ હસતા, લાંચમાં ફરતા સદા,
સાચનો જે પાઠ દીધો, ભીંત પર ટાંગ્યો હવે.

૯૧૩૮.
આ ‘પરાગે’ મ્હેક આપી, હાથ ખાલી છે છતાં,
વાયરે વાતો થતી કે બાગ આખો મ્હેકતો.

૯૧૩૯.
રાતભર ઘૂંટી ગઝલ મેં, ને સવારે ઓ ‘પરાગ’,
આંખ ખોલીને જુઓ, તો કાગળો કોરા બધા.

૯૧૪૦.
નામ ખોયું તો નદીને સિંધુ આખો સાંપડે,
આપણે ‘હું’ સાચવી, ખાબોચિયાં બનતાં ગયા.

૯૧૪૧.
લોક સમજે કે હસું છું, એ જ મારી આવડત,
આંસુ મારાં પણ હવે મલકાટ ઓઢી નીકળે.

૯૧૪૨.
કાગડાને ખીર આપી, શ્રાદ્ધ ટાણે ઠાઠથી,
બાપને પાણી ન પાયું જીવતાં, એ દીકરે.

૯૧૪૩.
રોજ આંધી ગાજતી, ને દીવડો ધ્રૂજ્યા કરે,
ભોરમાં આંધી નથી, પણ દીવડો ત્યાં ઝળહળે.

૯૧૪૪.
વીડિયો કૉલે નિહાળી દીકરે બાની ચિતા,
‘નેટ ધીમું છે’ કહીને ફોન મૂક્યો પણ તરત.

૯૧૪૫.
ચાર ધામો જોઈ આવ્યો, ઘેર આવી, ત્યાં જુઓ,
ઓસરીમાં બા હતી, બસ એ જ સાચું ધામ’તું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખમુલાકાતીઆગલો લેખ →છૂટા શેર ૯૧૪૬–૯૧૭૫